અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થવાના સમાચાર મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ બાદ બન્ને વચ્ચે પથ્થમારો સર્જાયો હતો. જેને લઈને એક મહિલાનું મોત પણ નીપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજાવવાનો છે. આ પ્રસંગમાં પત્રિકામાં નામ છાપવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. આજે આ મામલો ઉગ્ર બન્યો જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. આ પથ્થરમારાની ઘટનામાં સાત લોકોને બીજા પહોંચી છે. જ્યારે 70 વર્ષના નેવીબેન મેવાડા નામના વૃદ્ધાનું મોત થયું છે.ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને લઇને વસ્ત્રાપુર પોલીસસ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડા, ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન સહિત 30થી વધુ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગણતરીના સમયમાં પરિસ્થિતી કાબુમાં લીધી હતી.પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કર્યા છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત ઘાયલ લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસે તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.