અમદાવાદ : અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં IPLની 17મી સિઝનમાં આજરોજ 28 એપ્રિલના ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. આ મેચને લઈ ક્રિકેટરસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ગરમીમાં પણ મેચ જોવા આવ્યા છે. જેમાં ખાસ કરીને 18 નંબરની જર્સીમાં ફેન્સ વધુ જોવા મળી રહ્યા છે.
મેચ શરૂ થઇ ત્યારે ક્રિકેટ ફેન્સ ખાસ કરીને વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યા હોય તેમ 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા હતા. મેચ ચાલુ થઈ ગઈ છતાં પણ લોકોની ભીડ સ્ટેડિયમ બહાર યથાવત્ છે. મોટી સંખ્યામાં હજુ સ્ટેડિયમમાં એન્ટ્રી કરી રહ્યા છે.મેચ શરૂ થઈ ગઈ હોવાના કારણે જેટલા લોકો સ્ટેડિયમની બહાર ઊભા છે, તે તમામ લોકોને પોલીસ દ્વારા ટિકિટ હોય તો સ્ટેડિયમમાં જલ્દીથી પ્રવેશ મેળવી લેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો પાસે ટિકિટ નથી તે તમામ લોકોને સ્ટેડિયમના ગેટ પાસેથી દૂર કરવામાં આવી રહ્યા છે.
મેચ શરૂ થવાના ગણતરીની મિનિટો પહેલા પણ મેટ્રોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી છે. મેટ્રોમાં સહેજ પણ જગ્યા ન હોવા છતાં પણ ભીડમાં લોકો સ્ટેડિયમ પહોંચવા માટે આતુર છે. મેટ્રોમાં લોકો હળવા મૂડમાં, વિરાટ કોહલી અને શુભમનગીરના નામના નારા લગાવ્યા હતાં. આ સાથે જ કેટલાક લોકો ભાજપ-ભાજપના પણ નારા લગાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં બેંગ્લોર ટીમું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે, વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. ટીમ 9 મેચમાંથી 2 મેચમાં જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાતની ટીમ 9 મેચમાંથી 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે.