અમદાવાદ: શહેરમાં યોજાયેલી એક ભવ્ય મહેફીલે ભારે ચર્ચા જગાડી છે. આ પાર્ટીની અંદરની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં દારૂની છોળો ઉછળતી અને મહિલાઓ પણ જોવા મળી રહી છે. આ પાર્ટીના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને આ મામલે બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરમાં બર્થડે પાર્ટી યોજાઈ હતી. સ્પા સેન્ટરમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્પામાં થયેલી દારૂ પાર્ટીનો વીડિયો હોવાનું અનુમાન છે. આ વીડિયોમાં યુવક- યુવતીઓ એનિમલ ફિલ્મના જમાલ કુડુ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
દહેગામ સર્કલથી ટોલ ટેક્સ તરફ જવાના રસ્તામાં વિશાલા કોમ્પલેક્ષમાં આ દારૂ પાર્ટી યોજાઇ હતી.પાર્ટીમાં રૂપલલનાઓ પણ બોલાવવામાં આવી હતી અને દારૂ પણ પીરસવામાં આવ્યો હતો.બે યુવતી માથા પર દારૂનો ગ્લાસ મૂકીને એનિમલ ફિલ્મના સોંગ ઉપર ઠૂમકા લગાવી રહી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ ખરેખર કયા સ્પાનો આ વીડિયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ અમદાવાદમાં સિંધુભવન રોડ પર બર્થ ડે પાર્ટી બાદ એક સ્પા ગર્લને માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો ખૂબ વાઇરલ થયો અને આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.