અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે, 2023 કરતા આ વર્ષે 17.94 ટકા વધુ પરિણામ આવ્યું છે.
પાછલા વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, વર્ષ 2023માં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી જે ચાલુ વર્ષે 699598 થઈ છે. મહત્વનું છે વર્ષ 2023માં એસએસસી બોર્ડનું પરિણામ 64.62% રહ્યું હતું જ્યારે 82.56% આવ્યું છે.પાછલા વર્ષે ધોરણ 10માં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત હતો, જ્યારે ચાલુ વર્ષે ગાંધીનગર સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ આવ્યું છે.
ચાલુ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ થયા છે, જ્યારે A-1 ગ્રેડમાં 23247, A-2 ગ્રેડમાં 78893, B-1 ગ્રેડમાં 118710 અને B-2 ગ્રેડમાં 143894 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.