અમદાવાદ : ઉનાળામાં પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓ કફોડી સ્થિતિમાં મૂકાય છે ઘણીવાર પાણી ન મળવાના કારણે ઉનાળામાં અસંખ્યા પશુ-પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. પક્ષીઓને આવી ગરમીમાં એક બુંદ પાણી પણ મળી જાય તો તેમનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે પક્ષીઓ માટે પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ શરૂ કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં નવરંગપુરા ખાતે આવેલ લો ગાર્ડન ખાતે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ હેમંત શાહ, પ્રેસિડેન્ટ અને વોકર ક્લબ ઓફ લો ગાર્ડનના સભ્યો તરફથી કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટને દર વર્ષની જેમ અબોલ જીવોના સેવાયજ્ઞના કાર્યક્રમ માટે ખુબજ સરસ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ અને સહયોગ આપ્યો હતો અને જીવદયાનું કાર્ય સતત ચાલુ રહે તે માટે દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
આ પ્રસંગે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઝંખનાબેન શાહે જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને ઉનાળામાં તરસ્યાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યસ્થા કરીને અબોલ જીવોનું જીવન બચાવીએ.ઉનાળામાં ગરમીના કારણે પશુ-પક્ષીઓને ડીહાઇડ્રેશન થઈ જાય છે, તો આવા સમયમાં એમના પાણીમાં ORS નાખવું, જેથી તેમને શક્તિ મળે. તેઓએ અપીલ કરતા જણાવ્યું હતું કે એક કુંડું આપના ઘરની બાલ્કની, ઘરની કે ઓફીસની બહાર અથવા બગીચામાં પાણી ભરીને મૂકવું જોઈએ.