અમદાવાદ : રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર NOCના બોર્ડ લગાવવા પડશે.
રાજ્ય સરકારે પણ ફાયર સેફ્ટી બાબતે કડક પગલાં હાથ ઘર્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફાયર સેફ્ટી બાબતે હવે મહત્વનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ જે મુજબ હવે આગામી દિવસોમાં મહત્વના તમામ જાહેર સ્થળો કે જ્યાં ભીડ એકઠી થતી હોય અને ફાયર NOCની જરુર હોય ત્યાં એ NOC નજર આવે એમ બોર્ડ લગાવવા પડશે.આ અંગે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે .જે લોકોએ ફાયર NOC લીધી છે. તે તમામ લોકોએ લાગુ પડશે અને તેમને લગાવવાની અમે સૂચના પણ આપીશું, એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે જાહેર સ્થળો જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા તમામ સ્થળો પર મિલકતના માલિક, ભાડુઆત, કબજેદાર, સંચાલક દ્વારા બિલ્ડિંગની મુખ્ય એન્ટ્રી (બિલ્ડીંગમાં અંદર જવાનો રસ્તો)માં 3 ફૂટ×2 ફૂટ જગ્યામાં ફાયર NOC નંબર, કઈ તારીખે લીધી હતી અને કઈ તારીખે પૂરી થાય છે. તેની વિગત લાલ કલરના બેકગ્રાઉન્ડ સફેદ કલરમાં લખેલા બોર્ડમાં દર્શાવવાનું રહેશે. જે લખાણ વખતો-વખત ફાયર સેફટી સર્ટીફીકેટની રીન્યુઅલ સાથે વિગતો પણ અપડેટ કરવાની રહેશે અને તે બોર્ડ હંમેશા કોઇપણ અવર-જવર કરતા વ્યક્તિને સરળતાપૂર્વક પ્રવેશમાં જ ધ્યાને આવે તે પ્રમાણે લગાવવાનું રહેશે
કોણે કોણે ફાયર NOC બોર્ડ લગાવવાના રહેશે
હાઇરાઇઝ બિલ્ડીંગો
મોલ – મલ્ટિપ્લેક્સ
સ્કૂલ – કોલેજો
ધાર્મિક સ્થળો
હોસ્પિટલો
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ
હોટલો – રેસ્ટોરન્ટ
હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ
સ્ટેડીયમ – સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
સુપર માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ
બાકી તમામ જેમણે ફાયર NOC લેવી ફરજીયાત છે.