અમદાવાદ : આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.ચેકિંગ દરમ્યાન સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા હવે બોડીવોર્ન કેમેરા સાથે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ન્યુ રાણીપ, ચેનપુર, કાળીગામ, રામોલ, નાના ચિલોડા, ઓઢવ, કઠવાડા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર, મકરબા સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં 50 થી વધુ લાયસન્સ વિનાના ઢોર પકડવામાં આવ્યા હતા.જેનું સીધું મોનિટરિંગ CNCD વિભાગની ઓફિસમાં કરવામાં આવ્યું હતું. જો કોઈપણ વ્યક્તિ દ્વારા ઘર્ષણ કરવામાં આવે તો તાત્કાલિક તેના સામે કાર્યવાહી કરવા અને સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને કર્મચારીઓ પર પણ ચેકિંગ પર નજર રાખવા કેમેરા લગાવાયા હતા.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાવવામાં આવી હતી. જે અંતર્ગત જે પણ નાગરિક પશુ રાખવા માંગતા હોય તેમણે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. 4 મહિનાથી આ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે, શહેરમાં ફરી એકવાર કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઢોર રખડતા જોવા મળ્યા હતા તેમજ લાયસન્સ વિનાના ઢોર હોવા અંગેની માહિતી મળી હતી. જેથી આજે CNCD વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી અને લાયસન્સ વિનાના ઢોર અંગેની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેઓને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ચાલુ મહિનામાં 229 જ્યારે વર્ષ દરમિયાન 1199 ઢોર પકડવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન સ્થાનિક અને પશુપાલકો સાથે ઘર્ષણ પણ થયા હતા. જેમાં પોલીસની મદદ લઈ અને ઢોર પકડી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અસલી માલિકોને લાયસન્સ લેવાની સૂચના આપી હોવા છતાં પણ જો લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોર જપ્ત કરી લેવામાં આવશે.