અમદાવાદ : ગુજરાતનું અમદાવાદ એવું શહેર છે, જે રોકેટ ગતિએ વિકસી રહ્યુ છે અને સાથે સાથે વિકાસ પણ કરી રહ્યુ છે. અમદાવાદમાં દિવસેને દિવસે અદ્યતન સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે. AMC પણ શહેરના વિકાસને ગતિ આપતા નવી નવી જાહેરાતો કરતું રહે છે. અમદાવાદમાં તમામ વૉર્ડમાં એક એક વાઈટ ટોપિંગ રોડ બનાવવા માટેનું આયોજન અમદાવાદ AMC કરી રહી છે. પરંતુ AMC ના અડધણ વહીવટનો નમુનો નારણપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.વાઈટ ટોપિંગ રોડ પ્રજાની સુખાકારી માટેનો નહી પરંતુ દુ:ખાકારી માટે બની રહેલ હોય તેમ જણાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં દરેક વૉર્ડમાં એક વાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના નારણપુરામાં ગત મહિને વાઇટ ટોપિંગ રોડ બનાવવાનું કામ લાડલી ચાર રસ્તા થી લઈને પ્રગતિનગરનું શરૂ કરવામાં આવ્યું હતું. સત્તાવાર ચોમાસુ બેસે તેના થોડાક જ દિવસ પહેલા આ પ્રકારનું કામ શરૂ કરાયું, જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે.
સ્થાનિકોનું માનવું છે કે, આ વ્હાઈટ ટોપિંગ રોડ દેખાવમાં તો સારો લાગે છે, પરંતું તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા છે. બીજી બાજુ એક તરફનો રોડ બંધ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા તો વધી જ છે, પરંતુ આસપાસના રહેતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નારણપુરામાં વધુ એક વખત સૌથી મોટી બેદરકારી આ રોડના કામ દરમિયાન જોવા મળી છે. એક લેનનો રોડ બન્યા બાદ ખ્યાલ આવ્યો કે ડ્રેનેજનું કામ કરવાનું બાકી છે. માટે રોડ બન્યા બાદ હવે ડ્રેનેજો ખોદવાની શરૂ કરવામાં આવી છે. ચોમાસું તૈયારીમાં છે ત્યારે આ ખોદકામ કારણે લોકોને હાલાકી પડી રહી છે. સાથે જ આસપાસમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં કેવી રીતે જવું તે પણ મોટો સવાલ બન્યો છે.
ચોમાસાની શરૂઆત પહેલા જ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે, AMC ની બેદરકારીનો નમુનો આ વાઇટ ટોપિંગ રોડ છે. જેમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને આ રોડ ના કારણે પણ લોકોને હેરાનગતિ થઇ રહી છે. અને આ પરિસ્થિતિ એક જગ્યાએ નહીં પરંતુ તમામ જગ્યાઓ પર છે, જ્યાં આ પ્રકારે વાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવ્યા છે.
વાઈટ ટોપીંગ રોડ બનાવવાની શરૂઆત બેંગલોરમાં કરવામાં આવી હતી પરંતુ બેંગ્લોરમાં જ સમગ્ર પ્રોજેક્ટ ફેલ જતા બંધ કરાયો છે પરંતુ બેંગલોર ના નામ પર જ અમદાવાદમાં એક બાદ એક વાઈટ ટોપીંગ રોડ ના નામ પર કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.