અમદાવાદ : સામાન્ય રીતે અમદાવાદ મ્યુ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ કોઈ સામાન્ય વેપારીની દુકાનના બોર્ડ કે દુકાનના શેડ બહાર હોય તો હરકતમાં આવી તાત્કાલિક ગેરકાયદેસર દબાણ હટાવી દે છે ત્યારે નવા વાડજ વોર્ડમાં આવેલ નિર્ણયનગરમાં ખાનગી બિલ્ડર દ્વારા કોઈ પણ પરમિશન વગર ડીવાઇડરની વચ્ચે જાહેરાતના બોર્ડ લગાવતા ભારે સ્થાનિકોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાતે નિર્ણયનગર વિસ્તારમાં મેઈન રોડ પર આવેલ ડીવાઇડરમાં ફૂલછોડ વાવેલા તેને ઉખાડીને સિમેન્ટને એસ.એસના સળિયાથી પાકું ચણતર કરી વચ્ચે લગાવવાની કામગીરી કરતા સ્થાનિકો દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આરોપ મુજબ કોઈ પરમિશન વગર આ પ્રકારના બોર્ડ લગાવતા કોર્પોરેશન તમાશો જોઈ રહે છે જયારે ગરીબ અને સામાન્ય માણસના દુકાનના બોર્ડ અને શેડ મ્યુ કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા રાત્રે પણ ઉઠાવી લેવાય છે તો કેમ આ બિલ્ડરની આ પ્રકારની ગેરકાયદે કામગીરીને તંત્ર છાવરે છે. ??
સોમવાર મોડી રાતે થયેલ કામગીરી દરમ્યાન સ્થાનિક આગેવાન હસમુખ વાઘેલાએ વિરોધ કરતા બિલ્ડરના માણસો દ્વારા જોઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.જો કે તેઓએ આ અંગે મ્યુ કોર્પોરેશન અને પોલીસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કાયદેસરની કામગીરી કયારે કરે છે ?