અમદાવાદ : લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. રાતના 12 થી શરૂ થઈને સવાર સુધી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ વરસાદ અમદાવાદીઓ માટે આફતનો વરસાદ બની રહ્યો. ઓછા વરસાદમાં પણ અમદાવાદભરમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે. પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખૂલી છે. ચોમાસના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.
પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખુલ્લી પડી છે. વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના વાહનો ખોટવાતા મુશ્કેલી થઈ છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓને સ્થાનિકોએ નકાર્યા છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળતી નથી.ચોમાસાના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે. માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ બેસી જવાની ઘટના બની છે. થોડા સમય પહેલા જ આ રોડનું સમારકામ મનપાએ કર્યું હતું. એક જ વરસાદમાં રોડ બેસી ગયો.રોડ બેસી જતા મોટી હોનારત થવાની શક્યતા છે.
રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા લાલા વસાણીની પોળમાં બે માળના મકાનનો કેટલોક જર્જરિત ભાગ ધરાશાયી થયો છે. ફાયર વિભાગે મકાનમાં ફસાયેલાં 2 ભાઈઓનું રેસ્ક્યુ કર્યું હતું. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.