અમદાવાદ : અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાળકોને હેલ્મેટનું વિતરણ કરી વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના અંતર્ગત શાહીબાગમાં આવેલી અર્થ ઇંગ્લિશ સ્કૂલ પાસેના રસ્તા પર એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વિના મૂલ્યે બાળકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક જનહિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. શાહીબાગમાં આવેલી અર્થ ઇંગ્લિશ સ્કૂલ પાસેના રસ્તા પર એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાળકો પોતાના માતાપિતા સાથે ટુ વ્હીલર પર સ્કૂલે અવરજવર કરે છે તેવા બાળકોને પોલીસકર્મીઓએ જાતે જ હેલ્મેટ પહેરાવ્યા હતા અને પોલીસકર્મીઓએ બાળકોને હેલ્મેટ પહેરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું. અંદાજિત 200થી વધુ બાળકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.