અમદાવાદ : સબ સલામતીની છડી પોકારતા અમદાવાદમાં સોની વેપારીને ધોળે દહાડે ગોળી મારીને લૂંટી લેવાયો છે.જેમાં શહેરના ગાંધીરોડ પર ફતાસા પોળ પાસે સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી છે.લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયર કર્યુ હતું. સોની વેપારીને પેટમાં ગોળી વાગતા તેને ગંભીર ઇજા થઈ છે.ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં ગાંધીરોડ પર ફતાસા પોળ પાસે લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો છે. જ્યાં સોનાના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. વેપારીને પેટના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ખાડીયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
શહેરમાં ધોળા દિવસે વેપારી પર આ રીતે હુમલો કરવામાં આવતા પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસની પ્રારંભિક અટકળ મુજબ આમા કોઈ જાણભેદુ કે નજીકનો વ્યક્તિ હોઈ શકે છે. વેપારી આ રીતે સોનું લઈ જવાની ખબર નજીકની વ્યક્તિને જ હોઈ શકે છે. તેથી પોલીસે આ દિશામાંતપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાના પગલે રાયપુર, ખાડિયા અને માણેકચોકના સોની વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે. તેઓનું માનવું છે કે આ રીતે છડેચોક ધોળા દિવસે કોઈ લૂંટી જાય તો પછી કાયદો અને સુરક્ષાની વાત જ ક્યાં રહી.
ઉલ્લેખનીય છે કે, સતાધારમા નવરંગ ટાવરમાં વાસણની દુકાન ધરાવતા વેપારી લૂંટાયો હતો. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી.