અમદાવાદ : જો હવે તમે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા જતા હોય તો એક એક શબ્દ સરખી રીતે વાંચી અને ચકાસી લેજો કારણકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત સુધારો કરી આપવામાં આવશે. ભાઈ, બહેન, કુમાર, કુમારી વગેરે શબ્દો ઉમેરવા માટે અથવા દૂર કરવા માટે જન્મ મરણ વિભાગમાં અરજીઓ કરવામાં આવતી હોય છે. દિન પ્રતિદિન નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના જણાવ્યા મુજબ ભારત સરકારની વર્ષ 2007ની માર્ગદર્શિકા મુજબ કોઈપણ જન્મના પ્રમાણપત્રમાં એક વખત સુધારો કરી શકાય છે. આધાર કાર્ડમાં પણ હવે જન્મના પ્રમાણપત્ર મુજબ નામ હોવું જોઈએ, જેને લઈને લોકો સુધારા વધારા કરાવવા આવી રહ્યા છે. ત્યારે અનેક અરજીઓમાં એવું સામે આવ્યું હતું કે બેથી ત્રણ વખત તેઓ દ્વારા નામ સુધારા માટેની અરજી કરવામાં આવી હતી. જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટેની રોજની 250 જેટલી અંદાજિત અરજીઓ આવે છે. જેમાં ખાસ કરીને પોતાના નામમાં અથવા તો માતા-પિતાના નામમાં ભાઈ, બહેન, કુમાર, કુમારી બદલાવવા માટેની અરજી કરવામાં આવે છે.
દિન પ્રતિદિન નામ સુધારા માટે અરજીઓની સંખ્યા વધી હતી. જુલાઈ મહિના સુધીમાં 50,000 જેટલી અરજીઓ નામ સુધારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગને મળી છે. વધારે પડતી અરજીઓ થવાના કારણે ખરેખર જે વ્યક્તિને પોતાના નામમાં સુધારાની જરૂરિયાત હોય તેની અરજીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી.આ કારણે નામમાં સુધારાની અરજીઓમાં વધારો થવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા માત્ર એક જ વખત સુધારો કરી આપવામાં આવશે.