23.7 C
Gujarat
Tuesday, December 3, 2024

ગુજરાત હાઇકોર્ટ ખાતે લો હેરાલ્ડની નવી વેબ અને એપ લોન્ચ કરાઈ, સુપ્રીમ કોર્ટ- હાઈકોર્ટના ચુકાદા વકીલોની આંગળીના ટેરવે

Share

અમદાવાદ : મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે.પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના મહત્વના 80 ચુકાદાઓ પર તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

લોન્ચ કરાયેલ નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશન વિશે વાત કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજના ટેક્નોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં જયારે મોબાઈલ તથા કોમ્પ્યુટરના માધ્યમથી દરેક માહિતી ત્વરિત મેળવી શકાય છે, ત્યારે વકીલોને અપડેટેડ રાખવાના ઉદ્દેશ સાથે નવી વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન બનાવીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાચા અર્થમાં માતૃસંસ્થા બનવા સાથે સમયની સાથે ચાલી રહયું છે.

નવી લોન્ચ થયેલી ગુજરાત લો હેરાલ્ડની વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશનથી ગુજરાત રાજયના વકીલો નામદાર વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓથી અવગત થશે, તથા રાજય તથા કેન્દ્રના કાયદાઓની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. સાથે જ, મંત્રીશ્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા ઉપસ્થિત વકીલમિત્રોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીન ટેક્નોલોજીના ઉપયોગ માટે પણ આહ્વાન કર્યું હતું.

મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એકમાત્ર બાર કાઉન્સિલ છે જેણે ટેકનોલોજીને અપનાવીને એક નવીન પહેલ આરંભી છે. બાર કાઉન્સિલે આજે મારા ચુકાદાઓનું પુસ્તક લોન્ચ કર્યું છે, જે મારું સૌભાગ્ય છે. બાર અને બેન્ચ વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે અને ન્યાય વ્યવસ્થા વધુને વધુ મજબૂત થાય એ આપણા સૌના સહિયારા પ્રયાસ હોવો જોઈએ. આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

આપણે સૌ ન્યાય વ્યવસ્થાના પ્રહરી છીએ એમ જણાવીને એમણે ઉમેર્યું કે, આપણે સમાજના લોકોને ન્યાય અપાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. બાર એ બેન્ચ અને ન્યાય ઈચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે. આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ અને ઈમાનદારી પૂર્વક આપણું કાર્ય કરવું જોઈએ.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન એમ.સી.કામદાર, એક્ઝિક્યુટીવ કમિટિના ચેરમેન એન.ડી.પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર ડી.કે.પટેલ તથા કાઉન્સિલના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વકીલો અને કાયદા તથા ન્યાયતંત્ર ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles