અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા લગ્ન સહિતના અન્ય પ્રસંગો માટે આપવામા આવતી સ્પેશિયલ વર્ધીની બસ માટે રુપિયા 2500 સુધીનો ભાડા વધારો ઝીંકી દેતા શહેરીજનો ઉપર વધારાનો બોજ લાદવામાં આવ્યો છે.અગાઉ લઘુત્તમ રુપિયા બે હજાર ભાડુ વસૂલાતુ હતુ.રાત્રિના સમય માટે બમણુ ભાડુ વસૂલવામા આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરીજનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ વર્ધી માટે AMTS બસ ભાડે આપવામાં આવે છે. બે કલાક માટે 2000 રૂપિયા લેખે બસ ભાડે આપવામાં આવતી હતી જેમાં પ્રતિ કલાકના 1000 લેવામાં આવતા હતા. હવેથી આ લઘુત્તમ સમયમાં 1 કલાકનો ઉમેરો કરવામાં આવ્યો એટલે કે હવે ત્રણ કલાક માટે બસ ભાડે લેવામાં આવશે. પ્રતિ કલાકમાં 500 રૂપિયાનો વધારો કરી હવે પ્રતિ કલાકના 1500 લેવામાં આવશે. જેથી, હવે લઘુત્તમ 4500 રૂપિયા ચૂકવવા પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહાર એટલે કે ઔડા વિસ્તારમાં બસ લઇ જવી હશે તો પ્રતિ કલાકના 2500 લેખે 7500 રૂપિયા ચૂકવવા પડશે, ત્યારબાદ દર કલાકે 2500 રૂપિયા ચાર્જ ગણવામાં આવશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આવકમાં વધારો કરવા માટે હવે સ્પેશિયલ વર્ધીની બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
AMTS દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા શિવ મંદિરો સહિતના અન્ય મંદિરો સુધી શ્રધ્ધાળુઓને પહોંચાડવા બસ શરુ કરવાની જાહેરાત કરી છે. બસ દીઠ 30 પેસેન્જરો બેસી શકે એમ છે.આમ છતાં 40 પેસેન્જરો બસ દીઠ લેવામાં આવશે.બસ દીઠ મ્યુનિ.હદમાં રહેનારાએ રુપિયા ત્રણ હજાર તથા હદ બહાર રહેનારાએ રુપિયા પાંચ હજાર જમા કરાવવા પડશે.બસ મેળવવા મ્યુનિ.નું છેલ્લુ પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની નકલ આપવી પડશે.લાલદરવાજા,મણિનગર,વાડજ તથા સારંગપુર ટર્મિનસ ખાતેથી સવારના 8.15 કલાકથી બસ ઉપડી સાંજે 4.45 કલાકે પરત ફરશે.