અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે (18 ઓગસ્ટ) રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા અને કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પૂર્વે શાહે નવા વાડજ ખાતે તાલુકા સેવા સદન અંતર્ગત મામલતદાર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના લોકસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું.
લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે. હું વર્ષો સુધી આ જ વિસ્તારમાં રહ્યો છું અને અહીંથી જ ધારાસભ્ય અને સાંસદ તરીકે ચુંટાયો છું, જે કાર્યકર્તાઓ સાથે કાર્ય કર્યું તે સર્વેને આજે મળવાનો મોકો મળ્યો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નારણપુરા વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે સાથે સાથે તેમાં વિધાનસભા ક્ષેત્રના પ્રત્યેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરનો તેટલો જ મહત્વનો ફાળો છે, ભાજપાના શાસનમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ થાય છે અને તેનું લોકાર્પણ પણ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા કમળનું બટન દબાવી મને વિજયી બનાવ્યો તે બદલ આપ સર્વેને કોટી કોટી વંદન કરું છું.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો જે રીતે વિકાસ થયો છે તે જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ તેમ કહેલું અને આજે કહેતા ગર્વ થાય છે કે, થોડા જ દિવસ અગાઉ પૂર્વ અમદાવાદમાં જ્યારે હું તિરંગા યાત્રામાં સહભાગી થયો ત્યારે પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો છું.