અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓ અખાદ્ય હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા 3 કિલો પેંડાના તમામ બોક્સમાં ફૂગવાળા પેંડા નીકળ્યા હતા. શનિવારે ખરીદેલા પેંડા આજે સવારે પેકેટ ખોલતાની સાથે જ તેમાં ફૂગ વળેલી હતી. ગ્રાહક મહિલાએ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ શનિવારે જુના શારદા મંદિર રોડ ઉપર પંચશીલ પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના છ બોક્સ લીધા હતા. આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓએ પેંડાના બોક્સ ખોલ્યા તો તમામ પેંડા પર ફૂગ વળેલી જોવા મળી હતી. શનિવારે ખરીદેલા પેંડા સોમવારે ખોલતા ફૂગ વાળા હતા. રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગ વળી ગયેલા હતા તેથી તેઓએ બીજા પેંડા ખરીદવા પડ્યા હતા.
ગ્રાહક મહિલાએ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ મામલે જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાં તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં અવારનવાર અનેક મીઠાઈ અને ફાસ્ટ ફૂડની દુકાનમાં અખાધ્ય ચીજ વસ્તુઓ મળી આવે છે. હાલમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખાણીપીણી અને મીઠાઈની ચીજ વસ્તુઓમાં અખાધ્ય વસ્તુનો ઉપયોગ થતો હોવાથી જલદી બગડી જતી હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ ચેકિંગને લઇને સવાલ ઉભા થયા છે.