અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રિડેવલપમેન્ટના ટેન્ડર નિયમો વારંવાર બદલાતા પ્રક્રિયા ઘોંચમાં પડી છે. જનજાગૃતિ લાવવા માટે 5 જૂનથી હાઉસિંગની સોસાયટીઓમાં પત્રિકા વહેંચાશે તેમજ ગ્રૂપ મીટિંગોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રિડેવલપમેન્ટની જાણકારી અને 2007ના પેકેજ પ્રમાણે રિડેવલપમેન્ટ કરી આપવા બાબતે 2 જુલાઈને શનિવારે રાત્રે 8.30 કલાકે સોલા હાઉસિંગ નારણપુરા ખાતે જાહેર સભા પણ યોજાશે.
હાઉસિંગના સભ્યોની વિવિધ માગણીઓ જેવી કે નવા બનાવેલા મકાનોમાં વર્તમાન રહીશોને પ્રથમ ફાળવણી કરે અને પછી બિલ્ડર વધેલા મકાનોને વેચી શકે. હાઉસિંગની બિલ્ડર દ્વારા જૂના અને નવા રહીશોના અલગ-અલગ મકાન બનાવવાની શરત રહીશોના હિતમાં નથી વગેરે માગણી સ્વીકારવામાં આવે તો જ રિડેવલપમેન્ટ ઝડપથી સફળ થઈ શકે તેમ છે.
હાઉસિંગ વસાહત મંડળ સભ્યોએ કહ્યું કે, હાઉસિંગ બોર્ડે 2016થી રિડેવલપમેન્ટ માટેની પોલિસી જાહેર કરી ત્યારથી આજ દિન સુધી ફક્ત એક સોસાયટીનું સફળ રિડેવલપમેન્ટ થયું છે. જોકે રિડેવલપમેન્ટ પહેલા ટાંકી પડવાથી બે વ્યક્તિના મૃત્યુ પણ થયા હતાં. ઘણી સોસાયટીના રહીશોએ તે પોલિસીને ધ્યાનમાં રાખીને રિડેવલપમેન્ટ માટે અરજી કરી છે.