અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ.520 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યા પર દેશનો સૌથી મોટો મોલ બનાવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સૌથી મોંઘા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર હરાજી વેચાણ કરવામાં આવેલા રૂ.520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને સંપૂર્ણપણે પઝેશન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ફાઈનલ પ્લોટ નંબર સાથેના કુલ 66168 (7,12,226 સ્ક્વેર ફૂટ) ચોરસ મીટર પ્લોટ થાય છે. જોકે આ પ્લોટમાં 10672 ચોરસ મીટર જેટલી જગ્યા ખાનગી માલિકીનો ભળતો પ્લોટ હતો.જે પાર્ટ પઝેશન હોવાના કારણે તે સંપૂર્ણપણે પઝેશન આપી શકાય તેમ નહોતું.
અમદાવાદના ચાંદખેડામાં લુલુ ગ્રુપ દ્વારા વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ મોલનું નિર્માણ કરવામાં આવશે. લુલુ ગ્રુપે આ વર્ષે વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરી હતી. આ મોલના નિર્માણમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી મોટો શોપિંગ મોલ હશે.આ મોલના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિ દરમિયાન જ કરી શકાશે. હાલમાં, દેશનો સૌથી મોટો શોપિંગ મોલ કેરળના કોચીમાં છે.આ મોલ બનતાં ચાંદખેડાના વિકાસને ચાર ચાંદ લાગી જશે.
હાલમાં આલ્ફા વન અમદાવાદનો સૌથી મોટો મોલ છે. જ્યારે લુલુ ગ્રૂપે વાઇબ્રન્ટ સમિટમાં તેના રોકાણની જાહેરાત કરી ત્યારે જાણવા મળ્યું કે લુલુના આ સૌથી મોટા મોલમાં 300 થી વધુ દેશી અને વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાઈબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઈવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું નવું કેન્દ્ર બનશે. આ મોલમાં મેગા ફૂડ કોર્ટ બનાવવાની યોજના છે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે.
શહેરના એસજી હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ ફરી એકવાર વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો હતો. આ પ્લોટના વેચાણથી 1156 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે.