અમદાવાદ : અમદાવાદના સરખેજમાં આવેલી જાણીતી એલ. જે કોલેજની સિક્યુરિટી કેબિનમાં મોડી રાતે પોલીસ દ્વારા દારૂની મેહફિલ ઝડપી લેવામાં આવી છે. 5 સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં જ બેસીને દારૂ પી રહ્યા હતા, તે સમયે પોલીસે તમામને ઝડપી પાડયા છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરખેજ પોલીસ દ્વારા નવરાત્રિને લઈને રાતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સરખેજમાં આવેલી એલ.જે.કોલેજ પાસે સિક્યુરિટી રૂમમાં પોલીસ દ્વારા સૂચના આપવા આવી રહી હતી. આ દરમિયાન સિક્યુરિટી કેબિનમાં જતા જ પડદો ખોલીને જોતા દારૂની બોટલ પડી હતી તથા 5 ગ્લાસ પડ્યા હતા. આ ઉપરાંત 5 સિક્યુરિટી ગાર્ડ બેસીને દારૂ પી રહ્યા હતા. પોલીસે તમામને દારૂ પીતા ઝડપી લીધા હતા. પોલીસે દારૂની બોટલ અથવા દારૂ પીવાની પરવાનગીના કાગળ મળતા કોઈની પાસે કોઈ જ કાગળ નહોતા.
પોલીસે નિતેશસિંગ રાજપુત, બાબુસિંગ રાજપુત, ભુપેન્દ્રસિંગ રાજપુત,સોનુસિંગ રાજપુત અને ગોવિંદ સિગ રાજપુત વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. પાંચેય પાસેથી મોબાઇલ સહિતનો 37,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.પાંચેય વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.