અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો વિશાલાથી નારોલ તરફનો શાસ્ત્રી બ્રિજ છેલ્લા 15 મહિનાથી રીપેરીંગના કારણે એક તરફના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. રીપેરીંગ કામગીરી પૂર્ણ થતાની સાથે જ બ્રિજનો અન્ય તરફનો ભાગ પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. જેથી બંને તરફ હવે વાહનો અવરજવર કરી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે વિશાલા સર્કલથી નારોલ ને જોડતા શાસ્ત્રી ઓવરબ્રિજના રીપેરીંગની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં કામગીરી પૂર્ણ થવાની હતી પરંતુ, ધીમી કામગીરી ચાલતી હતી. એક તરફનો બ્રિજ ચાલુ હતો ને આમને સામને વાહનોની અવર-જવર થતી હતી ત્યારે ટ્રાફિકજામ થતો હતો. પરંતુ અનેક વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં હતાં ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો. કલેકટર ની સંકલન સમિતિમાં નેશનલ હાઈવે ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ બ્રિજ ઉપર અધિકારીઓને સાથે રાખી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
દિવાળી પહેલા લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે જેટલા માણસો કામે લગાડવા પડે તે લગાવી અને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેના માટેની રજૂઆત બાદ આખરે બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ વાહન વ્યવહારના કારણે રોડ પર ખાડા પડી ગયા છે તેમજ તે ભાગમાં પણ વચ્ચેના જોઈન્ટ સરખા કરવાના છે. જે કામગીરી હવે દિવાળી બાદ શરૂ કરવા માટેની સૂચના નેશનલ હાઈવેના અધિકારીઓને આપવામાં આવી છે દિવાળી દરમિયાન જો કામ થશે તો ફરીથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થશે તેના કારણે દિવાળી બાદ આ બ્રિજ ની કામગીરી શરૂ કરાય તેમ જણાવ્યું છે હવે આ ઓવરબ્રિજ શરૂ થતા લોકોમાં પણ ખુશી ફેલાઈ છે.