અમદાવાદ : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. આ એક એવો તહેવાર છે કે જે લોકોને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને ગુજરાતવાસીઓની વાત કરીએ તો આ તહેવારની લોકો ડિસેમ્બરથી જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ આ તહેવારની એક ખરાબ સાઇડ કહીએ તો તે મુંગા પક્ષીઓનો ભોગ આ દિવસે મોટી સંખ્યામાં લેવાય છે. આકાશમાં ઉડતા પતંગની સાથે જે દોરી હોય છે તે ઘણીવાર પક્ષીઓને ગંભીર ઇજા પહોંચાડતી હોય છે જેના કારણે પક્ષીઓ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.
અબોલ જીવ માટે સમગ્ર વર્ષ દરમ્યાન કામગીરી કરતા નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) દ્વારા આ વર્ષે પણ શહેરના પશ્ચિમમાં આવેલ શાળાઓમાં જઈને વિધાર્થીઓમાં જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી જાગૃત કરવાના પ્રયાસ કરે છે. જેના ભાગ રૂપે તાજેતરમાં આ સંસ્થા દ્વારા ઘાટલોડીયામાં જ્ઞાનદા સ્કૂલ અને રાણીપની નિશાંત સ્કૂલમાં પક્ષી બચાવ અભિયાન હેઠળ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશ દ્વારા ઓડિયો વિઝ્યુલ વગર વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં જ્ઞાન સાથે ગમ્મત થકી રમકડાંના પક્ષીઓ દ્વારા પક્ષી બચાવ કામગીરી અને ચાઇનીસ દોરી, તુક્કલ તેમજ પતંગ ઉડાડવાનો સમય અને સાંજે પતંગની દોરીઓને ભેગી કરી અબોલ જીવ અને મનુષ્યને કેવી રીતે બચાવી શકાય તે માટેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશએ જણાવ્યું હતું કે સરકાર તો તેમની ચાઇનીસ દોરી, તુક્કલ વેચાણ અટકાવવા પ્રયાસ કરે જ છે પણ જો જીવદયા સંસ્થાઓ પણ જો આવી રીતે અવેરનેસ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિનું કાર્ય કરે તો પક્ષી ઘાયલ થવાની ટકાવારી ઘણા પ્રમાણમાં અટકાવી શકાય એમ છે.