બેંગલુરુ : PM નરેન્દ્ર મોદી શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેઓ ઇસરો (ISRO) ખાતે પહોંચી ISROના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન આપ્યા હતા. વૈજ્ઞાનિકોને મળીને PM મોદી ભાવુક થયા હતા.અહીં તેમણે 3 જાહેરાત કરી હતી. પ્રથમ દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી શનિવારે સવારે 7.30 વાગ્યે બેંગલુરુમાં ISROના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.ISROના વડા એસ. સોમનાથે ISRO કમાન્ડ સેન્ટર ખાતે PM મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. PMએ સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-3 મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મોદીએ કહ્યું, ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો, પછી ગ્રીસમાં કાર્યક્રમમાં ગયો હતો, પણ મારું મન તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું. ક્યારેક એવું લાગે છે કે હું તમારા લોકો સાથે અન્યાય કરું છું. મારી અધીરાઈ અને તમારી મુશ્કેલી. હું તમને નમન કરવા માગતો હતો (ભાવુક થઈને ગળગળા સ્વરે) હું તમને શક્ય એટલી વહેલી તકે જોવા માગતો હતો…
PM મોદીએ કહ્યું, ‘હું તમને સલામ કરવા માગતો હતો. તમારી મહેનતને સલામ… તમારી ધીરજને સલામ… તમારા જુસ્સાને સલામ… તમારી જીવનશક્તિને સલામ. તમારી ભાવનાને સલામ….