નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હ્યુસ્ટનથી લગભગ 35 કિલોમીટર દૂર સુગર લેન્ડમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી આ હનુમાન પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ ભારતની બહાર સૌથી ઊંચી પ્રતિમા છે. જ્યારે તે ટેક્સાસની પણ સૌથી ઊંચી પ્રતિમા છે. 15થી 18 ઓગસ્ટ દરમિયાન આયોજિત એક વિશેષ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે ભારતના સ્વતંત્રતા દિવસ સાથે પણ જોડાયેલી હતી. આયોજકોએ પ્રતિમાને “નિઃસ્વાર્થતા, ભક્તિ અને એકતા”ના પ્રતીક તરીકે વર્ણવી હતી, જે ભગવાન શ્રીરામ અને સીતા માતાનું ફરીથી મિલન કરાવવામાં હનુમાનજીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે. પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.
આ પ્રતિમાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન કેમ રાખવામાં આવ્યું. તમે જાણતા જ હશો કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન રામે આખી વાનર સેનાને ચારેય દિશામાં શોધવા માટે મોકલી હતી. ત્યારે ભગવાન હનુમાન ભારતના છેવાડે એટલે કે રામેશ્વરમ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ લંકા ગયા હતા. તે માતા સીતાને મળ્યા પછી પાછો ફર્યા અને ભગવાનને તેના વિશે જાણ કરી અને પછી ભગવાને લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો અને માતા સીતાને પાછી મેળવી. ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં ભગવાન હનુમાનનું બહુ મોટું યોગદાન છે. આ કારણથી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે.