નવી દિલ્હી: નવા વર્ષના પહેલા દિવસે સવાર-સવારમાં સરકારે સામાન્ય માણસને રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો છે. આજથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી એલપીજી સિલિન્ડર 14.50 રૂપિયા સસ્તું થઈ ગયું છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત 1લી ઓગસ્ટે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે જ એલપીજી ગેસની કિંમત નક્કી કરે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કંપનીની જાહેરાત મુજબ દિલ્હીથી મુંબઈ સુધી LPG સિલિન્ડરોના ભાવમાં 14થી 16 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે જ્યારે નવા વર્ષમાં 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે, એટલે કે તેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આઈઓસીએલની વેબસાઈટ પર અપડેટ કરાયેલી કિંમતો મુજબ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 1804 રૂપિયા થઈ ગઈ છે, આ પહેલા પહેલી ડિસેમ્બર-2024માં તેની કિંમત 1818.50 રૂપિયા હતી. આમ એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં ફેરફાર થયા છે.
દિલ્હી ઉપરાંત કોલકાતામાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત રૂ.1927થી ઘટીને રૂ.1911 થઈ છે. આમ અહીં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રૂ.1771ની કિંમતે મળતા સિલિન્ડરની કિંમત હવે રૂ.1756 થઈ ગઈ છે, એટલે કે અહીં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં 1980.50 રૂપિયામાં મળતા સિલિન્ડરની કિંમત હવે 1966 રૂપિયા થઈ ગઈ છે.
ઘણા લાંબા સમય બાદ 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. જોકે 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટથી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે. નવા વર્ષે પણ તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રસોઈમાં વપરાતા LPG ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા પર સ્થિર છે.