પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દરરોજ કરોડોની ભીડ પહોંચી રહી છે અને સંગમમાં સ્નાન કરી રહી છે. એવામાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથી. આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ને સોંપવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને સુપરત કરેલા અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રયાગરાજમાં સંગમનું પાણી મહાકુંભ દરમિયાન સ્નાન કરવા યોગ્ય નથી. પાણીમાં ફેકલ કોલિફોર્મનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ૫૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક ‘ફેકલ કોલિફોર્મ’ ની મર્યાદા પ્રતિ 100 મિલી 2500 યુનિટ છે.
NGT અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ. સેન્થિલ વેલની બેન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે CPCBએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ચોક્કસ પાલન ન થયું હોય અથવા ઉલ્લંઘનો તરફ ઇશારો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘નદીની પાણીની ગુણવતા વિવિધ અવસરો પર તમામ દેખરેખ સ્થળો પર ગંદા પાણી ‘ફેકલ કોલીફોર્મ’ના સંબંધમાં સ્નાન માટે ગુણવતાના અનુરૂપ નથી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.