મુંબઈ : સમગ્ર દેશમાં સૌથી વિખ્યાત ગણાતા લાલબાગ ચા રાજાના ગણેશોત્સવમાં ભેટમાં આવેલી વિવિધ ચીજોનાં હરાજીમાં રુા. 1.25 કરોડ મળ્યા છે. ગણપતિ મંડળને કુલ 6.25 કરોડની આવક થઇ હોવાનું જાહેર થયું છે.
ગણપતિ મહોત્સવ તાજેતરમાં જ પૂર્ણ થયો હતો. લાલબાગ ચા રાજા ગણેશોત્સવમાં ભેટમાં મળેલી વિવિધ ચીજોનું ગઇકાલે હરાજી કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ બાળાસાહેબ ખાંભલેએ જણાવ્યું કે વિવિધ ચીજો પેટે રુા. 1.25 કરોડ મળ્યા છે. 2019માં પણ આટલી જ આવક થઇ હતી.
રોકડ ભેટની રકમ રુા. 5 કરોડથી પણ વધી ગઇ છે એટલે આ વખતે મંડળને કુલ રુા. 6.25 કરોડ જેવી આવક થઇ છે. ઓકશનમાં સોનાના લાડુની હરાજીમાં રુા. 60.03 લાખ મળ્યા હતા. 1.25 કિલોનો આ લાડુ એક ભાવિકે 60 લાખથી વધુની રકમમાં ખરીદયો હતો. આ સિવાય સોનાનું નેકલેસ 8.55 લાખમાં વહેચાયુ હતું અન્ય એક નેકલેસના 3.20 લાખ મળ્યા હતા. સોનાની લગડીના રુા. 5.77 લાખ મળ્યા હતા. ગણપતિ રાજાને એક ભાવિકે મોટર સાઈકલ પણ ગિફટ કર્યું હતું તેના રુા. 77 હજાર મળ્યા હતા.
આ વખતે ભાવિકોએ ગણપતિ ભગવાનને સોના જડીત પગરખા, અનેક મૂર્તિ, સોના-ચાંદી જડીત નાના-મોટા મોદક, વીંટી સહિતની ચીજો ભેટમાં ધરી હતી. સોના-ચાંદીના ગઇકાલના ભાવને આધારે ઓકશન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સાડા પાંચ કિલો સોનુ અને 60 કિલો જેટલી ચાંદી ભાવિકોએ ભેટ ચડાવી હતી. 2018માં મંડળને 8 કરોડ જેવી રકમ ભેટમાં મળી હતી.