નવી દિલ્હી : હિંડનબર્ગનો રીપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપ સાથેના તેમના એક્સપોઝર વિશે માહિતી માંગી છે. સરકાર અને બેંકિંગ સેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે RBIએ વિવિધ બેંકોને અદાણી જૂથમાં તેના રોકાણ અને આપેલી લોન વિશે માહિતી આપવા જણાવ્યું છે.
અદાણી જૂથના શેરોમાં તીવ્ર કડાકા પછી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પણ ચિંતિત છે. ભારતમાં ઘણી બેન્કોએ અદાણી જૂથને જંગી લોન આપી છે. તેના કારણે બેન્કોના શેર પણ ઘટી રહ્યા છે. આ દરમિયાન RBIએ અદાણી જૂથ (Adani Group)ની કંપનીઓને અપાયેલી લોન વિશે રિપોર્ટ આપવા માટે બેન્કોને સૂચના આપી છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી.
હાલમાં અદાણી ગ્રુપના શેરમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે. અદાણી ગ્રુપે ગઈ કાલે જ FPO પાછો ખેંચી લીધો હતો. ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.