મુંબઈ : હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના બાદ પહેલી વાર અદાણી જૂથના શેરોમાં સતત ધોવાણ પછી આજે આખરે થોડી સ્થિરતા જોવા મળી છે. એટલું જ નહીં અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર આજે 15 ટકા વધીને 1808 પર ચાલતો હતો. આ શેર તાજેતરમાં 1000ની નજીક જઈ આવ્યા પછી ઝડપથી સ્ટેબલ થઈ ગયો છે.હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે ગયા મહિનાની 25 તારીખથી અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ્સ સહિત તમામ 10 શેરો જોરદાર ઘટવા લાગ્યા હતા, પરંતુ આજે કેટલાક શેરો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે.
સૌથી પહેલી વાત કરીએ ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં આવેલી તેજીની, તો છેલ્લે મળતી માહિતી મુજબ અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ 246.30 રૂપિયા ચડીને 1819 રૂપિયા થયો છે. એટલે કે 15.66 ટકાનો વધારો થયો. અદાણી પોર્ટના શેરના ભાવમાં પણ 22.55 રૂપિયા વધીને 568.20 રૂપિયા જોવા મળી રહ્યો છે. એટલે કે 4.17 ટકા વધ્યો છે. અદાણી વિલ્મરના ભાવ 4.99 ટકા ચડીને 398.90 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી ફક્ત નીચે ચાલી રહ્યો છે જયારે અદાણી ટ્રાન્સમિશન 2.59 ટકાની તેજી સાથે 1289 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સતત નકારાત્મક સ્થિતિ ઝેલી રહેલી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં માર્કેટ ખુલતા જે તેજી જોવા મળી તેને જોતા રોકાણકારો પણ ખુશ થઈ ગયા. જો કે અદાણી પાવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જે કારોબાર વધવાની સાથે લીલા નિશાન પર પહોંચી ગયો હતો.