નવી દિલ્હી : છેલ્લા 10 દિવસમાં ગૌતમ અદાણીની સ્થિતિમાં રોકેટ સ્પીડથી સુધારો આવ્યો છે. હિન્ડનબર્ગ કંપનીના રિપોર્ટ બાદ 4થા નંબરના અમીર ક્રમેથી સીધા 35મા ક્રમે ધકેલાઈ ગયેલા ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં અમીરોની યાદીમાં ઉપર આવ્યાં છે. ગૌતમ અદાણીને અમીરોની યાદીમાં 22મું સ્થાન મળ્યું છે જે સુધારાનો સંકેત છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોપ-10 અમીરોની યાદીમાં પાછા આવી શકે છે.
છેલ્લાં કેટલાય દિવસોથી અદાણી જૂથના અનેક શૅરો સતત અપર સર્કિટને સ્પર્શી રહ્યા છે અને જૂથની સંયુક્ત માર્કેટ કેપ 9 લાખ કરોડને પાર થઈ ગઈ છે. તેનો લાભ ગૌતમ અદાણીને પણ થયો છે. તેમની નેટવર્થમાં 1.97 અબજ ડોલરનો વધારો થયો છે. જોકે, હિન્ડનબર્ગના રિપોર્ટ પછી આ વર્ષે તેમની નેટવર્થમાં 66.5 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
આ દરમિયાન, દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 11માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં 170 મિલિયનનો વધારો થયો અને 83.6 બિલિયન સુધી પહોંચી ગયો. આ વર્ષે તેમની નેટવર્થમાં 3.51 બિલિયનનો ઘટાડો થયો છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 187 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. એલોન મસ્ક બીજા, જેફ બેઝોસ ત્રીજા, બિલ ગેટ્સ ચોથા, વોરેન બફે છઠ્ઠા, સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, કાર્લોસ સ્લિમ અને સર્ગેઈ બ્રિન દસમા ક્રમે છે.