નવી દિલ્હી : દેશ કોરોના વાયરસથી બહાર આવી રહ્યો છે કે આ દરમિયાન H3N2 નામના નવા વાયરસે દસ્તક આપી છે. તેના કેસો પણ ઘણા રાજ્યોમાં સતત કેટલાંક અઠવાડિયાથી જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. આ સાથે, આ વાયરસથી સંબંધિત કોઈપણ પીડિત વિશે માહિતી માંગવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પુડુચેરીના શિક્ષણ મંત્રી નમાસ્સિયમે H3N2 વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
દિલ્હીમાં પણ H3N2 કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડૉક્ટરે જાણકારી આપી છે કે આ વાયરસથી તાવ, શરદી અને શરીરમાં દર્દ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે કેટલાક મામલામાં સતત સુકી ઉધરસ થાય છે જેનાથી દર્દીને ખુબ જ નબળાઈ આવી જાય છે. ડૉકટરોએ જણાવ્યું હતું કે આવી ફરિયાદો સાથે ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં લગભગ 150 ટકાનો વધારો થયો છે.
ગોવા સરકારે H3N2ને કેસોને લઈને મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યુ છે જેમા આ ઝડપથી ફેલાઈ રહેલા વાયરસ વિશે ચર્ચા થશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે સરકાર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશનું સખત પાલન થાય તે સુનિશ્ચિત કરશે. ગોવામાં આ વર્ષે હજુ સુધી H3N2નો કોઈ કેસ જોવા મળ્યો નથી.