નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રાજકુમારી ગુપ્તાએ 4 માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગ્રેસ સેવા દળ સાથે જોડાયેલી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજકુમારી ગુપ્તાએ જણાવ્યું કે, મારી પાસે ચાર માળનું મકાન છે. અમારી કોલોની રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ભાજપ તેમના પર ખોટા આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમને અયોગ્ય જાહેર કરી દીધા છે. સાથે જ તેમને બંગલો ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. જેને અમે સહન કરી શકતા નથી.
સુરતની એક કોર્ટે મોદી ઉપનામ સંબંધી ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં નોંધાયેલ માનહાનિના કેસમાં તેમને 23 માર્ચે દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. અયોગ્ય ઠેરવ્યા બાદ સાંસદે તેમનું સભ્ય પદ ગયાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.