અમદાવાદ: અમદાવાદ શહેરની કેટલીક ખાનગી શાળાના સંચાલકોએ હવે જાણે શિક્ષણનો જ વેપાર માંડ્યો હોય તેમ નોટબુક, ચોપડા અને શાળાના ગણવેશ સહિતની સામગ્રી સ્કૂલમાંથી જ લેવા એવી ફરજ પાડી રહ્યા છે, કેટલીક સ્કૂલોમાં નોટબુક, ચોપડા અને શાળાના ગણવેશ વેચવાની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમે છે તો ક્યાંક સ્કૂલમાં જ ટ્યુશન ક્લાસ અને અન્ય પ્રવુતિઓ ચાલી રહી છે. જો આપની સ્કૂલમાં પણ આવી નફાખોરીની પ્રવૃતિ ચાલતી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શરૂ કરેલી હેલ્પલાઇન પર જાણ કરી શકો છો. શિક્ષણના નામે વેપાર કરનારી શાળાઓને નોટિસ, 10 હજારથી 5 લાખના દંડ સહિત શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
તાજેતરમાં ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કુલમાં વાલીઓને સ્કૂલમાંથી જ નોટબુક અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતા વાલીએ ફરિયાદ કરી હતી કે, જે પણ નોટબુક અને સ્ટેશનરી બહાર ઓછા ભાવે મળે છે તે જ ચીજવસ્તુ સ્કૂલમાં સ્ટોલ ઊભા કરીને મોંઘા ભાવે વેચવામાં આવી રહી છે. જે નોટબુક બહાર 25 રૂપિયામાં મળે છે તેના જ 65 રૂપિયા સ્કૂલ દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી પ્રકાશનની બુક પણ લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે.આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીનો આક્ષેપ છે કે ઘાટલોડીયાની આ સ્કૂલમાં વાલીઓને સ્કૂલમાંથી જ નોટબુક અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે.
એજ રિપોર્ટ મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલ જણાવે છે કે, કોઈપણ સ્કૂલ આ પ્રકારે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકે નહિં. અને કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવુત્તિ સ્કૂલમાં કરી શકાય નહિં. વાલીની ફરિયાદ મળતાં સ્કૂલનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આવી કોઈપણ સ્કૂલના સંચાલક પ્રવૃત્તિ કરતા જણાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આવી કોઈ પ્રવૃતિ વાલીઓને ધ્યાનમાં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કે હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે.
શિક્ષણની પ્રવૃત્તિને સેવા સાથે સાંકળવામાં આવી છે. એટલે કે શાળામાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવવો એ સેવાકીય પ્રવૃત્તિ છે ત્યાં કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ ન ચાલે. કારણ કે કોઈપણ શાળા વાલીને ખાનગી પ્રકાશનો સ્કૂલમાંથી ખરીદવા માટે આગ્રહ ન કરી શકે. સાથે સાથે કોઈપણ સ્કૂલ શાળામાં આ પ્રકારનો ધંધાકીય પ્રવૃત્તિ ન કરી શકે.જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો એ શાળા દંડને પાત્ર ઠરે છે અને જરૂર જણાય તો એ શાળાની માન્યતા રદ થઈ શકે છે.