અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા.સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા અને આરતી થશે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે.
ભગવાનના સોનાવેશ શણગારમાં વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. ગુલાબી વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દૈદિપ્યમાન લાગી રહ્યું છે. યજમાનોએ પ્રભુના સોનાવેશની પૂજા કરી હતી. આજ સવારથી જ પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાનને આટલી સુંદર ગુલાબી વાઘામાં જોવા માટે આજ સવારથી ભક્તોમાં ભારે ભીડ જામી હતી. લોકો તેમના દર્શન કરીને અભિભૂત બન્યા છે.
આપને જણાવીએ કે, સોના વેશમાં આજે મયુર જેવી ડિઝાઇનના ઘરેણાં બનાવવામાં આવ્યા છે. જગન્નાથનો રથ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં નવા લુકમાં જોવા મળશે. રથયાત્રા પૂર્વ આજે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવશે. આ વખતે 72 વર્ષ જૂના રથોને પૂરી જેવો રથનો લુક આપવામાં આવ્યો છે. જે રથ પર બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા પર નિકળવાનાં છે તે રથનો નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે.
20મી જૂન 2023ના રોજ નીકળનારી રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં દેશભરમાંથી આવેલા 2000 જેટલા સાધુ-સંતો જોડાશે.