નવી દિલ્હી : કોરોના મહામારી બાદ મકાન અને ફ્લેટનું વેચાણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.મતલબ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રોથ નોંધાઈ રહ્યો છે. હાલમાં જ રિયલ એસ્ટેટ કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના આઠ મોટા શહેરોમાં મજબૂત માંગને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ થયું છે. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આઠ મોટા શહેરોમાં રહેણાંક એકમોનું વેચાણ 73,691 યુનિટ હતું. નાઈટ ફ્રેન્કના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના બુધવારે (4 ઓક્ટોબર)ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો મહત્વપૂર્ણ છે કારણ કે ત્રિમાસિક વેચાણ છ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે. ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મુંબઈમાં ઘરનું વેચાણ ચાર ટકા વધીને 22,308 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ 21,450 યુનિટ હતું. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદમાં હાઉસિંગનું વેચાણ રિપોર્ટિંગ સમયગાળામાં 3,887 યુનિટથી છ ટકા વધીને 4,108 યુનિટ થયું હતું. દિલ્હી-એનસીઆરમાં 11,014 યુનિટથી 27 ટકા વધીને 13,981 યુનિટ થયું છે. બેંગલુરુમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ 13,013 યુનિટથી નજીવું વધીને 13,169 યુનિટ થયું હતું, જ્યારે પુણેમાં વેચાણ 10,899 યુનિટથી 20 ટકા વધીને 13,079 યુનિટ થયું હતું.હૈદરાબાદમાં ઘરનું વેચાણ 7,900 યુનિટથી પાંચ ટકા વધીને 8,325 યુનિટ થયું હતું.
નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે, વધતી માંગને કારણે તમામ બજારોમાં વાર્ષિક ધોરણે ઘરની કિંમતોમાં પણ વધારો થયો છે. હૈદરાબાદમાં ઘરની કિંમતમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 11 ટકાનો વધારો થયો છે. કોલકાતામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં સાત ટકા, બેંગલુરુ અને મુંબઈમાં છ ટકા, પુણેમાં પાંચ ટકા, અમદાવાદ અને દિલ્હી-એનસીઆરમાં ચાર ટકા અને ચેન્નાઈમાં ત્રણ ટકાનો વધારો થયો છે.