ગાંધીનગર : ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ(TRB)ના જવાનોને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં 9 હજારમાંથી 6400 જવાનની નિમણૂંક રદ કરવામાં આવ્યો છે.રાજ્યના DGP વિકાસ સહાયે તમામ જિલ્લાના વડાને DGPએ પત્ર લખી આદેશ આપી દીધો છે.આ તમામ 6400 TRB જવાનોને મુક્ત કરવાનો આદેશ DGP વિકાસ સહાયે કર્યો છે.
DGPના આદેશ અનુસાર ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનો પાંચ વર્ષથી કાર્યરત હશે, એવા જવાનોને 31-12-2023ના રોજ મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષથી કાર્યરત જવાનોને 30-11-2023 સુધી મુક્ત કરવા આદેશ અપાયો છે. આ સિવાય ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ થયેલા હોય તેવા TRB જવાનોને 31-03-2024 સુધીમાં છૂટા કરાશે. TRB માનદ સભ્યોની નિમણૂંક બાબતે અત્રેની કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 9000 TRB સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે, આશરે 3000 સભ્યોએ TRBમાં 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 TRB સભ્યો 3 વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.
TRB ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી TRBના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. લાંબા સમયથી ફરજ બજાવતા TRB સભ્યોને મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ અમદાવાદ, વડોદરા અને ડાંગ સિવાયના તમામ પોલીસ કમિશનર માટે અપાયા છે.
1. જે TRBના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને તા.30/11/2023 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
2. જે TRBના સભ્યોએ 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.31/12/2023 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
3. જે TRBના સભ્યોને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા TRBના સભ્યોને તા.31/03/2024 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
મુક્ત થયેલ TRBના સભ્યોની ફરીથી નિમણૂંક ન કરવા મુક્ત થવાને કારણે ખાલી રહેલી જગ્યાને ભરવા માટેની નિમણૂંક અંગેનું નિયમ મુજબની કાર્યવાહી સમયમર્યાદામાં કરવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.