અયોધ્યા : અયોધ્યામાં શ્રી રામની જન્મ ભૂમિ પર બનેલ ભવ્ય દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દેશ દુનિયાના રામ ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. રામ મંદિરને એક દિવસમાં 3 કરોડ 17 લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. આ જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અનિલ કુમાર મિશ્રાએ આપી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, 23 જાન્યુઆરી મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા. દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ તૈયાર કરી છે. તેમણે અયોધ્યાની આસપાસના સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને સુવ્યવસ્થિત મંદિર દર્શન કરાવવામાં સહકાર આપવા સૂચના આપી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંગળવારે લગભગ 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. સોમવારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના બીજા દિવસે મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે જ લગભગ 5 લાખ ભક્તો ત્યાં પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કર્યા હતા.
અયોધ્યામાં રામ મંદિરે રામ લલ્લાના દર્શન માટે આવી રહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. હવે ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે.