નવી દિલ્હી : CAAને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી દેશભરમાં CAA (સિટિઝન એમેન્ડમેન્ટ એકટ- નાગરિક્તા સંશોધન કાયદો) લાગુ થઈ ગયુ છે. કેન્દ્રની મોદી સરકારે CAAને લઈને નોટિફિકેશન જારી કરી દીધુ છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટુ પગલુ છે. CAA અંતર્ગત ત્રણ પડોશી દેશોના બિન મુસ્લિમ લઘુમતીઓને હવે ભારતીય નાગરિક્તા મળી શકશે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી (આવેદન) કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ કર્યો છે.
CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતીવાળા પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.