નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચાર સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી 3જી જુલાઈએ થશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી. રાજદ્રોહના આરોપમાં જે કેસ ચાલી રહ્યા છે અને તે હેઠળ જે આરોપી જેલમાં બંધ છે તેઓ જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટમાં બુધવારે રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે અમે રાજ્ય સરકારોને જારી કરવા માટેના નિર્દેશોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એ મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ સૂચના હશે કે જિલ્લા પોલીસ કેપ્ટન એટલે કે એસપી અથવા ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરી વિના, રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે હાલમાં આ કાયદા પર સ્ટે ન મૂકવો જોઈએ.