નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના અંતિમ પરિણામો આવી ગયા છે. એક્ઝિટ પોલમાં કરવામાં આવેલા અનુમાનોથી વિપરિત, ભારતીય જનતા પાર્ટી, 240 બેઠકો જીત્યા પછી, આ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી ઓછી રહી. જો કે, NDA 292 બેઠકો સાથે સરકાર બનાવવાના તેના મજબૂત દાવા સાથે ઊભું છે. તે જ સમયે, તમામ મુખ્ય વિરોધ પક્ષોના ગઠબંધન ભારતે પણ 234 બેઠકો જીતી છે. ચૂંટણીના પરિણામો પછી, બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 17મી લોકસભાની છેલ્લી બેઠક યોજાઈ હતી જેમાં તેના વિસર્જનની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
મોદીએ અત્યાર સુધી હંમેશા પોતાની બહુમતીથી શાસન ચલાવ્યું છે, પછી તે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે દેશના વડાપ્રધાન તરીકે. પરંતુ હવે તેમને સાથીપક્ષોની કાંખઘોડીની જરૂર પડશે કારણ કે 272 બેઠકની બહુમતીમાં તેમને 32 બેઠકોની ઘટ પડે છે. અગાઉ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીએ ગઠબંધન સરકારો ચલાવી હતી, પરંતુ તેમાં તેમને બહુ મુશ્કેલી પડી હતી અને સાથીપક્ષોના વાંધા-વચકા ઉકેલવામાં પરેશાન થઈ ગયા હતા. મોદીને હંમેશા એટલી બહુમતી મળી છે કે તેઓ છુટા હાથે કામ કરી શકે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે.
મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે ત્યારે તે એક નવો રેકોર્ડ હશે. કારણ કે અત્યાર સુધીમાં માત્ર જવાહર લાલ નહેરુએ સળંગ ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. બીજા કોઈએ આટલા લાંબા સમય સુધી સત્તા જાળવી રાખી નથી. એનડીએને 292 બેઠકો મળી છે તેથી 272 બેઠકનો આંકડો તો પાર થઈ ગયો છે, પરંતુ હવે ઘણો બધો આધાર સાથીપક્ષો પર રહેશે.