નવી દિલ્હી : સમગ્ર ભારત આજે પોતાનો 78 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ દિવસે PM મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપર 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ PM મોદીએ દેશ વાસીઓનું સંબોધન કર્યું હતું. PM મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે PM મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા.આ બધામાં ખાસ વાત એ છે કે PM મોદીનું આ અત્યાર સુધીનું સૌથી લાંબુ એટલે કે 103 મિનિટનું ભાષણ હતું.
PM મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.સમારોહમાં લગભગ 6000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અટલ ઈનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના વોલંટિયર્સ, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
વન નેશન વન ઇલેક્શન પર PM મોદીએ શું કહ્યું?
PM મોદીએ કહ્યું, ચૂંટણીઓ વારંવાર દેશની પ્રગતિને રોકી રહી છે. દરેક યોજના ચૂંટણીના રંગોથી રંગાયેલી હતી. તમામ પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટીએ અહેવાલ આપ્યો. વન નેશન વન ઇલેક્શન સામે આવ્યું. હું તમામ રાજકીય પક્ષોને આ સપનું સાકાર કરવા માટે સાથે આવવા કહું છું.
દેશમાં સેકુલર સિવિલ કોડ હોવો જોઈએઃ PM
લાલ કિલ્લા પરથી PMમોદીએ કહ્યું, આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી છે. વર્તમાન સિવિલ કોડ એક રીતે કોમ્યુનલ સિવિલ કોડ છે. આપણા બંધારણની ભાવના કહે છે કે દેશમાં આ વિષય પર ગંભીર ચર્ચા થવી જોઈએ. જે કાયદાઓ દેશને ધર્મના આધારે વિભાજિત કરે છે. આવા કાયદાઓ આધુનિક સમાજનું નિર્માણ કરતા નથી. દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ, તો જ ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ મળશે.
2036 ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવી ઈચ્છા
PM મોદીએ કહ્યું કે આજે આપણી વચ્ચે એ યુવાનો બેઠા છે, જેમણે વિશ્વમાં ભારતો ધ્વજ લહેરાવ્યો છે. હું તેમને દેશવાસીઓ વતી અભિનંદન પાઠવું છું. G20નું આયોજન કરીને અમે બતાવ્યું કે ભારત સૌથી મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરી શકે છે. ભારત ઈચ્છે છે કે 2036 ઓલિમ્પિક ભારતમાં યોજાય, તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાક્ષસી કૃત્ય કરનારાઓને સજા થવી જોઈએ: PM મોદી
PM મોદીએ કહ્યું, આજે હું લાલ કિલ્લા પરથી ફરી એકવાર મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. દેશમાં તેની સામે આક્રોશ છે. હું આ આક્રોશ અનુભવી શકું છું. દેશ, સમાજ અને રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ સામેના અપરાધોની સત્વરે તપાસ થવી જોઈએ. રાક્ષસી કૃત્યને અંજામ આપનારાઓને વહેલી તકે સખત સજા થવી જોઈએ – સમાજમાં આત્મવિશ્વાસ કેળવવા માટે આ મહત્વપૂર્ણ છે.
PM મોદીએ કહ્યું કે, હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ મહિલાઓ પર દુષ્કર્મ કે અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની વ્યાપક ચર્ચા થાય છે, પરંતુ જ્યારે આવી રાક્ષસી પ્રવૃત્તિ કરતા શખ્સને સજા મળે છે ત્યારે આ વાત સમાચારમાં નહીં પરંતુ એક ખૂણા સુધી જ સીમિત રહે છે. સમયની માંગ છે કે સજા થનારા શખ્સની વ્યાપક ચર્ચા થવી જોઈએ, જેથી કરીને પાપ કરનારાઓ સમજી શકે કે આવું કરવાથી ફાંસી થાય છે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ જરૂરી છે.
PM મોદીએ કરી મોટી જાહેરાત
PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી મોટી જાહેરાતો કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 5 વર્ષમાં મેડિકલની 75 હજાર સીટો વધારવામાં આવશે. PM મોદીએ કહ્યું કે, અમે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. લગભગ 25 હજાર યુવાનો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ જાય છે. એવા-એવા દેશમાં જવું પડી રહ્યું છે, જેને સાંભળું છું તો હું ચોંકી જાઉં છું. તેથી અમે નક્કી કર્યું છે કે મેડિકલ લાઈનમાં 75 હજાર નવી સીટો બનાવવામાં આવશે. વિકસિત ભારત 2047, ‘સ્વસ્થ ભારત’ પણ હોવું જોઈએ અને આ માટે અમે રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કર્યું છે.
બેંકિંગ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યાઃ PM મોદી
PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, બેંકિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે. જરા વિચારો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, ન વિશ્વાસ વધતો હતો. અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે, ત્યારે અર્થવ્યવસ્થાની તાકાત પણ વધે છે.
ભારતની વધી પ્રતિષ્ઠાઃ PM
PM મોદીએ કહ્યું, આપણા દેશમાં આઝાદી તો મળી પરંતુ લોકોએ માઈ-બાપ કલ્ચરમાંથી પસાર થવું પડ્યું. આજે આપણે શાસનનું આ મોડલ બદલી નાખ્યું છે, આજે સરકાર પોતે લાભાર્થીના ઘરે ગેસનો ચૂલો, પાણી અને વીજળી પહોંચાડે છે. મારા દેશના યુવાનો ઈન્ક્રીમેન્ટલ પ્રગતિમાં વિશ્વાસ નથી રાખતા. તે છલાંગ મારી રહ્યા છે. દેશને આગળ લઈ જવા માટે નવી નીતિ બનાવવામાં આવી રહી છે. તેનાથી દેશની સિસ્ટમમાં વિશ્વાસ વધે છે. આજનું યુવાધન આ પરિવર્તન જોઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તેના સપનાને વેગ મળ્યો છે. એટલું જ નહીં આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે ગર્વ થાય છેઃ PM મોદી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, વિશ્વમાં સૌથી તેજ ગતિથી કરોડો લોકોનું વેક્સિનેશનનું કામ આપણા દેશમાં થયું. એક સમય હતો જ્યારે આતંકવાદીઓ આપણા દેશમાં આવીને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગદ ગદ થઈ જાય છે.
‘આ ભારતનો સુવર્ણકાળ છે, આ તકને જવા દેવી ન જોઈએ’
PM મોદીએ કહ્યું, ‘જ્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવે છે કે દેશના 18 હજાર ગામડાઓને સમયસર વીજળી પહોંચાડવામાં આવશે અને તે કામ થઈ જાય છે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ભારતનો સુવર્ણકાળ છે, આ તકને જવા દેવી ન જોઈએ.
‘આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે’
લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યું, ‘એક સમય હતો જ્યારે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે. જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા પણ ભારતને સમૃદ્ધ બનાવી શકે છે. અમારા રિફોર્મ રાજકીય મજબૂતી નથી. અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છીએ.
દેશવાસીઓએ અમૂલ્ય સૂચનો આપ્યા
PM મોદીએ કહ્યું કે, 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે યુવાનો, વડીલો, ગ્રામજનો, શહેરવાસીઓ, દલિતો અને આદિવાસીઓ દરેકે અમૂલ્ય સૂચનો આપ્યા છે. કેટલાક લોકોએ કહ્યું- વિશ્વની સ્કિલ કેપિટલ બનાવો. કોઈએ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ સૂચવ્યું. કોઈએ યુનિવર્સિટી હબનું સૂચન કર્યું. કોઈએ કહ્યું ભારતે દરેક ક્ષેત્રમાં જલદી આત્મનિર્ભર બનવું જોઈએ. કેટલાકે એવું પણ કહ્યું કે આપણા દેશની ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ભારત ત્રીજું અર્થતંત્ર બનવું જોઈએ. આ આપણા દેશવાસીઓના સૂચનો છે. જ્યારે દેશવાસીઓના શબ્દોમાં આવા મોટા સપના અને સંકલ્પ હોય છે, ત્યારે આપણી અંદરનો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચે છે.
આ સાથે જ PM મોદીએ પોતાના સંબંધોનમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આફતોના કારણે આપણી ચિંતાઓ વધી રહી છે. ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તો ઘણા લોકોએ પોતાની સંપત્તિ ગુમાવી છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રને પણ નુકસાન થયું છે. હું આજે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું, તેમને વિશ્વાસ આપું છું કે દેશ સંકટ સમયે તેમની સાથે ઊભો છે.
PM મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
78માં સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું મારા વ્હાલા દેશવાસીઓ, મારા પરિવારજનો, આજે એક શુભ ઘડી છે જ્યારે આપણે દેશ માટે શહીદ થનારા, દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, જીવનભર સંઘર્ષ કરનારા અને ફાંસીના માંચડે ચડીને ભારતમાતાની જયકાર લગાવનારાઓને નમન કરીએ છીએ.
આજે જે મહાન લોકો રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે દેશની રક્ષા કરી રહ્યા છે, પછી તે આપણા ખેડૂતો હોય, આપણા યુવાનો હોય, આપણા યુવાનોની હિંમત હોય, આપણી માતાઓ અને બહેનોનું યોગદાન હોય, મુશ્કેલીઓ વચ્ચે પણ આઝાદી માટે તેમનો સાથ હોય. આજે હું આવા તમામ લોકોને આદરપૂર્વક નમન કરું છું.