નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ICCના નવા ચેરમેન બન્યા છે. જય શાહને ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. જય શાહ ICCના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર પાંચમાં ભારતીય છે. આ પહેલા જગમોહન ડાલમિયા, એન શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન કરી ચૂક્યા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેનની ચૂંટણી માટે 27 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ હતી. આ નક્કી સમય સુધીમાં જય શાહ સિવાય કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નહોતી. બાદમાં ICC એક્ઝિક્યૂટિવ બોર્ડે જય શાહને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. 35 વર્ષના જય શાહ સૌથી યુવા ICCના ચેરમેન પણ બની ગયા છે.ICC ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર ગણાય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેને 2022માં ફરી આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.
ICCના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતનો સાધારણ બહુમત જરૂરી છે. આ પહેલા ચેરમેન બનવા માટે નિવર્તમાનની પાસે બે-તૃતીયાંશ બહુમત હોવો જરૂરી હતો.ICCએ તાજેતરમાં કહ્યું હતું- વર્તમાન ડિરેક્ટરોએ હવે 27 ઓગસ્ટ 2024 સુધી આગામી અધ્યક્ષ માટે નામાંકન રજૂ કરવું પડશે અને જો એકથી વધુ ઉમેદવાર છે તો ચૂંટણી થશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.
મીડિયા રિપોર્ટ મુજબ જો જય શાહ ICCના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન BCCI સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.