બાર્બાડોસ : રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે ICC ટી20 વિશ્વકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ કોઈ ICC ટ્રોફી જીતી છે. છેલ્લે ભારત 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્યું હતું. ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.
મેચની છેલ્લી 5 ઓવરમાં ભારતીય ટીમ લગભગ મેચ હારી ગઈ હતી ત્યારથી લઈને રોહિત શર્મા એન્ડ ટીમે શાનદાર પ્રદર્શન ભારતને જીતનો તાજ પહેરાવી દીધો છે.રોહિત સેનાએ બારબાડોસની ધરતી પર ભારતીય ઘ્વજ લહેરાવી જાહેર કરી દીધું છે કે રોહિત સેના છે વર્લ્ડ ચેમ્પિયન. એટલું જ નહીં પોસ્ટ મેચ શોમાં વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી છે કે આ તેનો છેલ્લો ICC ટી20 વર્લ્ડ કપ હતો. તે ભાવુક થઈ ગયો હતો અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આની સાથે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ ટીમે ઈતિહાસમાં ચોથી વાર કોઈ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે ICC ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હાર આપી છે. આ જીત સાથે જ 140 કરોડ ભારતીયોને જશ્ન મનાવવાનો મોકો મળ્યો છે.