અમદાવાદ : 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં લોકો સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની સાથે ઘરોમાં પણ ગણપતિની સ્થાપના કરે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે. મૂર્તિકાર વિજયભાઈના જણાવ્યા અનુસાર, આ વખતે દરેક આયોજક દ્વારા ગણપતિ ઉત્સવમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ એટલે માટીના ગણપતિજીની મૂર્તિ તો લોકો લાવે જ છે, પરંતુ આ વખતે ગાયના છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનો પણ ઘણાં લોકોએ ઓર્ડર આપ્યો છે.
તેઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ વખતે પહેલીવાર છાણમાંથી બનેલી 2 હજારથી વધુ મૂર્તિના ઓર્ડર મળ્યા છે. વધુમાં આ મૂર્તિ ખરીદનારને રોપા પણ ફ્રીમાં અપાઈ રહ્યા છે. આ મૂર્તિની કિંમત પીઓપી અને માટીની મૂર્તિની તુલનામાં ઓછી છે. છાણની મૂર્તિઓ અડધાથી એક ફૂટની ઊંચાઈની બની રહી છે, જેની કિંમત એક હજારથી દોઢ હજાર છે.મૂર્તિ બનાવવા માટે છાણની સાથે માટી તેમ જ ભૂસાનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ મેદા લાકડીની મદદથી મૂર્તિનો આકાર અપાય છે. એક મૂર્તિ 12થી 15 દિવસમાં તૈયાર થાય છે.