નવી દિલ્હી : દેશના ઘણાં રાજ્યોમાં રામનવમી પર થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે બુધવારે તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે હનુમાન જયંતીએ શાંતિ બની રહે, તેના માટે કાયદો-વ્યવસ્થા જાળવી રાખો. દરેક એવી બાબતો ઉપર નજર રાખો, જેનાથી સાંપ્રદાયિક વાતાવરણ ખરાબ થવાની શક્યતા હોય.
જો કે હનુમાન જયંતીના દિવસે આવી કોઇ ઘટના ન ઘટે તે માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સતર્કતાના ભાગ રુપે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હનુમાન જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય છે અને આ અંતર્ગત શોભાયાત્રાથી લઇને હવન, હનુમાન ચાલીસા પાઠ સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.
હનુમાન જયંતી પર રેલી કે શોભાયાત્રા નીકળતી હોય છે, ત્યારે એ સમયે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એ બાબતને લઇને પોલીસને તેમજ તમામ રાજ્યોના પોલીસ વિભાગના અધિકારીઓને, રાજ્ય સરકારોને એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તાકીદે આ મામલે પગલા લેવા માટે પણ બધાને સૂચિત કરવામાં આવ્યા છે. કોઇપણ પ્રકારની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.સાથે જ સાથે જો કોઇ એવા કાર્યક્રમો હોય જ્યાં કાયદો અને વ્યવસ્થા વણસી શકે એમ હોય ત્યાં સતર્કતા રાખવા માટેની સૂચના તમામ રાજ્યોમાં આપવામાં આવી છે.
તાજેતરમાં રામનવમીના તહેવારને લઇને વડોદરા સહીત અનેક રાજ્યોમાં હિંસા ફેલાઇ હતી. રામનવમીના પર્વ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જે પછી સોશિયલ મીડિયામાં થતી પોસ્ટના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી સ્થિતિ બની હતી. વડોદરામાં થયેલા કાંકરીચાળા મામલે પોલીસ કડક પગલા લેવામાં આવ્યા છે.