ઝાંસી : ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.
યુપીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપી STFએ ઝાંસી જિલ્લામાં અતિક અહેમદના પુત્ર અસદ અને તેના શૂટર મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર કર્યું છે. બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ બંને ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતા અને બંનેના માથા પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. એન્કાઉન્ટરને અંજામ આપનારાઓની ટીમનું નેતૃત્વ ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલ કરી રહ્યા હતા. STFએ સ્થળ પરથી વિદેશમાં બનેલા આધુનિક હથિયારો જપ્ત કર્યા છે.
એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. અતીક અહેમદને મંગળવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેની પૂછપરછ કરવાની છે. આ માટે 200 પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે.