નવી દિલ્હી : હાલ દેશભરમાં પાળેલા અને રખડતા કુતરાઓ કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલાંક કિસ્સામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે. કેટલાંક લોકો જીવ દયા દાખવી સોસાયટી કે ફ્લેટ કે કોઇ જાહેર સ્થળે રખડતાં કુતરાઓને જમવાનું આપે છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઇને કેન્દ્ર સરકારે આ મામલે એક એડવાઈઝરી જારી કરી છે. બોમ્બે હાઈકોર્ટે આવા જ એક મામલે સીવુડ્સ સોસાયટી અને ડોગ લવર્સની અરજીનો નિકાલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિને 10 માર્ચે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં શ્વાન પ્રેમીઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિયમોની કલમ – 20માં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સોસાયટી કે ફ્લેટમાં રખડતા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા જે-તે વિસ્તારની સ્થાનિક સંસ્થાની રહેશે. મકાન -ફ્લેટના માલિકો અને કુતરાની દેખભાળ કરનાર લાકો વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં 7 સભ્યોની પશુ કલ્યાણ સમિતિની રચના કરાશે અને તેમનો નિર્ણય અંતિમ હશે.
કેન્દ્ર સરકારે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રખડતા પશુઓને ખવડાવવા માટેની જગ્યા નકકી કરવી જોઇએ. આ સ્થળ બાળકોના રમતગમતની જગ્યાથી દૂર હોવું જોઈએ. ઉપરાંત આ સ્થળ સોસાયટી કે ફ્લેટની અંદર જવાના અને બહાર નીકળવાના દરવાજાથી પણ દૂર હોવું જોઈએ તેમજ સીડી અને એવી જગ્યાઓથી પણ દૂર હોવું જોઇએ જ્યાં બાળકો અને વૃદ્ધો જવાની શક્યતા વધારે હોય છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, ડોગ ફીડરોએ ખાતરી કરવી જોઈએ કે સોસાયટી-ફ્લેટના રહેવાસીઓ એસોસિએશને બનાવેલી માર્ગદર્શિકા–નીતિનિયમોનું ઉલ્લંઘન કરે નહીં.