અમદાવાદ : ભારતના PM મોદીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ PM સ્ટેટ વિઝિટ માટે ફરી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.
વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત અને દ્વિપક્ષીય વાતચીત બાદ PM મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા US Capitol પહોંચ્યા હતા. PM મોદીના 1 કલાકના સંબોધનમાં લગભગ 10 વાર તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું,સંબોધન બાદ ઘણા સેનેટર્સ મોદીનો ઓટોગ્રાફ લેવા ટોળે વળેલા જોવા મળ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યું. આ દરમિયાન અમેરિકન સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ તેમના ભાષણની શરૂઆત આભાર વ્યક્ત કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું – AI એટલે અમેરિકા અને ભારત.
તમને જણાવી દઈએ કે 9 વર્ષમાં 8મી વાર PM મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ બીજીવાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા પહોંચ્યા હતા. PM બન્યા બાદ મોદી 12મી વાર કોઈ દેશની સંસદને સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલા PM મોદી ભૂટાન, નેપાળ અને ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રની સંસદને સંબોધિત કરી ચૂકયા છે.
આ અગાઉ 22 જૂનના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે વડાપ્રધાન મોદી અમેરિકાના વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાય-અમેરિકન સરકારે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વ્હાઈટ હાઉસના આંગણે મોદી-બાઈડને ભારત અને અમેરિકાના સંબંધો પર સંબોધન પણ આપ્યું હતું. ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. અને ત્યાર બાદ તેઓ મીડિયા સામે પણ હાજર રહ્યા હતા.