નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ 2014 પછી પ્રથમ વખત ટેક્સ એગ્ઝેમ્પશન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે.
નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.O શરૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ્ય બનાવવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ સાથે 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે આગામી 3 વર્ષમાં 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને સહાય પૂરી પાડવા માટે અખંડ ભારત રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરવામાં આવશે.